વસ્તી વધારો સ્વૈછિક સમસ્યા: ગુજરાતી નિબંધ
Reduce the population otherwise, you will suffer starvation.
એવા વળાંક પર હવે ઊભો છે કાફલો,અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…જાણીતા કવિ કિસન સોસાની બહુ જાણીતી આ પંક્તિ માત્ર ભારત જ નહીં વિશ્વના અનેક દેશોને અક્ષરશઃ લાગુ પડે છે. સતત વધતી માનવવસતીના કારણે હવે એ સ્થિતિ આવીને ઊભી રહી છે કે કઈ દિશામાં જવું તેનો નિર્ણય ફરજિયાત લેવો પડે તેમ છે. વસતી નિયંત્રિત કરીને સુખની નદી તરફ જવું કે પછી વસતી વિસ્ફોટના વમળમાં ફસાઈને રણ જેવી વેરાન જિંદગી તરફ. બંને વિકલ્પો ખુલ્લા છે અને નિર્ણય આપણે સૌએ લેવાનો છે. વસતીવધારા બાબતે અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક છે. વસતી વિસ્ફોટનો અજગર સકંજો કસતો જાય છે તેમ દેશમાં નવી સમસ્યાઓ ઊભી થતી જાય છે. ભારતમાં વસતીવધારાની સમસ્યામાં ઊંડા ઊતરતા પહેલાં તેની વૈશ્વિક સ્થિતિ પર નજર કરીએ.
વસતીવધારાની વૈશ્વિક સ્થિતિ
યુનાઈટેડ નેશન્સના એક અહેવાલ અનુસાર છેલ્લાં પચાસ વર્ષમાં વિશ્વની વસતી બમણી થઈ ગઈ છે. એક ગણતરી પ્રમાણે પૃથ્વી પર દર સેકન્ડે ચાર બાળકો જન્મે છે. એ રીતે દરરોજ ૨,૩૭,૨૧૧ અને વર્ષેદહાડે ૮,૬૫,૮૨,૦૧૫ નવા લોકો ઉમેરાય છે. પોપ્યુલેશન મીડિયા નામની સંસ્થાની વેબસાઈટ પર વિશ્વની વસતીમાં વધારાના આંકડા લાઈવ જોઈ શકાય છે. આ લખાઈ રહ્યું છે ત્યારે આ વેબસાઈટ પર દુનિયાની વસતી ૭,૪૪૭,૧૬૩,૫૫૫ (૭ અબજ ૪૪ કરોડ)નો આંકડો વટાવી ચૂકી છે. અને થોડી જ સેકન્ડોમાં તેનાથી પણ આગળ વધી ગયો છે. આટલી ઝડપે વિશ્વની વસતીમાં વધારો થતો રહેવાના કારણે એક જ વર્ષમાં આંકડો અધધ… કહેવાય તેવી નવી ઊંચાઈને આંબી જાય છે.
યુનાઈટેડ નેશન્સના એક અહેવાલ અનુસાર છેલ્લાં પચાસ વર્ષમાં વિશ્વની વસતી બમણી થઈ ગઈ છે. એક ગણતરી પ્રમાણે પૃથ્વી પર દર સેકન્ડે ચાર બાળકો જન્મે છે. એ રીતે દરરોજ ૨,૩૭,૨૧૧ અને વર્ષેદહાડે ૮,૬૫,૮૨,૦૧૫ નવા લોકો ઉમેરાય છે. પોપ્યુલેશન મીડિયા નામની સંસ્થાની વેબસાઈટ પર વિશ્વની વસતીમાં વધારાના આંકડા લાઈવ જોઈ શકાય છે. આ લખાઈ રહ્યું છે ત્યારે આ વેબસાઈટ પર દુનિયાની વસતી ૭,૪૪૭,૧૬૩,૫૫૫ (૭ અબજ ૪૪ કરોડ)નો આંકડો વટાવી ચૂકી છે. અને થોડી જ સેકન્ડોમાં તેનાથી પણ આગળ વધી ગયો છે. આટલી ઝડપે વિશ્વની વસતીમાં વધારો થતો રહેવાના કારણે એક જ વર્ષમાં આંકડો અધધ… કહેવાય તેવી નવી ઊંચાઈને આંબી જાય છે.
યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ડિવિઝનના આંકડાઓ પ્રમાણે હાલ વસતીના મામલે ચીન (૧ અબજ ૩૮ કરોડ) દુનિયાભરમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ ભારત (૧ અબજ ૩૩ કરોડ), યુ.એસ.(૩૨ કરોડ ૪૧ લાખ), ઈન્ડોનેશિયા (૨૬ કરોડ ૫ લાખ), બ્રાઝિલ (૨૦ કરોડ ૯૫ લાખ)નો નંબર આવે છે. બ્રાઝિલ બાદ આ લિસ્ટમાં પાકિસ્તાન, નાઈજિરિયા, બાંગ્લાદેશ, રશિયા અને મેક્સિકો છે. નિષ્ણાતોના મતે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત ચીનને પાછળ છોડીને દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે.
ભારત અને વસતીવધારો
હાલ દુનિયામાં વસતી મામલે ભારત ચીન પછી બીજા ક્રમે છે. ચીનની સરખામણીએ ભારતની આર્થિક સ્થિતિ અને અન્ય પાસા નબળા હોવાથી વસતીવધારો સૌથી મોટી સમસ્યા બની ગયો છે. નિષ્ણાતો દ્વારા એવું અનુમાન લગાવવામાં આવે છે કે, ૨૦૩૦ના અંત સુધીમાં ભારતની વસતી ૧ અબજ ૫૪ કરોડને આંબી જશે. હાલ દુનિયાની કુલ વસતીના ૧૭.૮૫ ટકા ભારતમાં વસે છે. દુનિયાની દર છ વ્યક્તિએ એક ભારતમાં રહે છે. આ છતાં છેલ્લા એક દાયકાથી વસતીના મામલે ચીન પ્રથમ ક્રમે છે. આમ કહીને અહીં વસતીવધારાની તરફેણ કરવાનો ઉદ્દેશ જરાય નથી.
વસતીવધારાની બાબતે પ્રથમ ક્રમાંક કોઈ સિદ્ધિ નહીં પણ અધોગતિની જ નિશાની ગણાય. આ વાત ભારતીયો જેટલી વહેલા સમજશે તેટલી તેમના માટે ફાયદાકારક રહેશે. હાલની સ્થિતિ પર નજર કરીએ તો, દેશની એક અબજ ૩૩ કરોડની વસતીમાં ૬૮.૭૭ કરોડ પુરુષો જ્યારે ૬૪.૪૦ કરોડ વસતી સ્ત્રીઓની છે. દેશમાં દર એક હજાર પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ ૯૪૩ છે. તો દર એક મિનિટે ૫૧ નવાં બાળકો આ દેશમાં જન્મે છે. હાલ દેશની ૫૦ ટકાથી વધુ વસતી ૨૫ વર્ષથી નીચેની ઉંમરની છે. જ્યારે ૬૫ ટકાથી વધુ વસતી ૩૫ વર્ષથી નીચેની ઉંમરની છે. એ રીતે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. ભારતનાં કેટલાંક રાજ્યોની વસતી અમુક દેશોની કુલ વસતી બરાબર થવા જાય છે. જેમ કે, ઉત્તરપ્રદેશની વસતી બ્રાઝિલની કુલ વસતી બરાબર છે. તો મહારાષ્ટ્ર રાજ્યની વસતી મેક્સિકો જેટલી છે. વસતીની દૃષ્ટિએ ત્રીજા ક્રમના રાજ્ય બિહારની વસતી જર્મની કરતાં વધુ છે. આ આંકડાઓ જ કહે છે કે આપણે ત્યાં વસતીવધારો કઈ હદે છે.
વસ્તી વધારો સ્વૈછિક સમસ્યા શું છે ?
કોઈ નદી કે દરિયામાં તોફાન આવે ત્યારે પાણીના પ્રવાહ સાથે નકામો કચરો ખેંચાતો આવે એવું જ વસતીવધારાનું પણ છે. બેફામ વધતી વસતીના કારણે રહેઠાણોની અછત, બેરોજગારી, ગરીબી, નિરક્ષરતા, કુપોષણ, પ્રદૂષણ, ઘરવપરાશની ચીજવસ્તુઓની તંગી, ગુનાખોરી જેવી અનેક સમસ્યા ઊભી થાય છે. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે તેના મૂળમાં વસતીવધારો છે. બેરોજગારી અને ગરીબીના કારણે ગુનાખોરી, ચોરી જેવી આડઅસરો થાય છે. દુનિયાનાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં ભારત જેવા વિકાસશીલ અને કેટલાક અલ્પ વિકસિત દેશોમાં વસતીવધારાનો દર ઊંચો હોવાનું માલૂમ પડે છે. આ એવા દેશો છે જ્યાં વસતીના ઊંચા પ્રમાણને લીધે લોકો સુધી પાયાની જરૂરિયાતો પણ પહોંચતી નથી. જેમાં શિક્ષણનો પણ સમાવેશ થાય છે. દુનિયાની સૌથી વધુ અભણ વસતી ભારતમાં છે.
૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે ભારતમાં સાક્ષરતા દર ૭૪.૦૪ ટકા હતો. પુરુષોમાં એ પ્રમાણ ૮૨.૧૪ ટકા જ્યારે સ્ત્રીઓમાં ૬૫.૪૬ ટકા છે. સૌથી વધુ સાક્ષરતા દર કેરળ(૯૩.૯ ટકા), લક્ષદ્વીપ(૯૨.૩ ટકા) અને મિઝોરમ(૯૧.૬ ટકા) હતો અને અહીં વસતીના મામલે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ટોપ ટેનમાં નથી. જે સાબિત કરે છે કે વસતીવધારા મુદ્દે શિક્ષણ સૌથી મહત્ત્વનું સાધન છે. જે દેશમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું છે, લોકો જાગ્રત છે ત્યાં વસતીવધારો નિયંત્રણમાં છે. જ્યારે વિકાસશીલ કે અલ્પવિકસિત દેશોમાં શિક્ષણ અને આરોગ્યની સેવાઓ નિમ્ન સ્તરની છે. ભારતમાં ઉત્તરપ્રદેશ, બિહાર જેવાં ઓછી સાક્ષરતા ધરાવતાં રાજ્યોમાં વસતી વધારે છે.
આઝાદી બાદ દેશમાં આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે. જેથી સરેરાશ આયુષ્યમાં વધારો નોંધાયો છે. સ્વતંત્રતા પહેલાં જ્યાં સરેરાશ આયુષ્ય અંદાજિત ૩૧ વર્ષ હતું તે આઝાદીનાં ૫૦ વર્ષ બાદ વધીને ૬૨ વર્ષ થઈ ગયું હતું. આવાં અનેક કારણોને લીધે ભારતમાં વસતી વધી છે. જાણીતા સમાજશાસ્ત્રી ડૉ. વિદ્યુત જોષી ભારતની વસતીના સંદર્ભમાં કહે છે, “વસતી અને જીવન જીવવા માટે જરૂરી કુદરતી સ્ત્રોતની સરખામણી કરીએ તો ખ્યાલ આવે છે કે દેશ આઝાદ થયો ત્યારે જેટલું પાણી હતું તેટલું જ આજે પણ છે. જેની સામે વસતી ત્રણ ગણી વધી છે.
કેનેડામાં ત્રણ કરોડ વસતી અને આપણા કરતાં અઢી ગણી જમીન છે. ચીનમાં વસતી વધુ પણ ભારત કરતાં બે ગણી વધારે જમીન છે. કુદરતી સંસાધનો સાથે વસતીની ગણતરી કરતાં ખ્યાલ આવે છે કે ભારતમાં પાણી, જમીન જેવા કુદરતી સ્ત્રોતની સામે વસતી અનેકગણી વધુ છે. જેથી વસતીવધારો સમસ્યા રૂપ બન્યો છે. જે તે દેશની વસતી અમુક સમય વધ્યા પછી ઓછી થતી હોય છે. આપણે ત્યાં યુવાનોની સંખ્યા ૫૦ ટકા જેટલી છે. તેથી આગામી સમયમાં પણ વસતી વધશે. પછી વૃદ્ધો વધી જશે ત્યારે પાછી પડશે.”
કુટુંબનિયોજન એકમાત્ર ઉપાય
લોકશાહી ભારત દેશમાં વસતીવધારાને કાબૂમાં રાખવાના ઉપાય લોકોના સહકાર પર નિર્ભર કરે છે. નાગરિકો સમજીને જ પોતાના પરિવારની વસતી નિયંત્રણમાં રાખે તે ઈચ્છનીય છે. બળજબરીપૂર્વક કોઈને બાળકો પેદા કરતા રોકી શકાતા નથી. ચીનમાં બે બાળકોનો જે કાયદો લાદવામાં આવ્યો છે તે આપણે ત્યાં લોકશાહી વ્યવસ્થાના કારણે શક્ય નથી. પરિણામે સરકારી રાહે લોકોને સમજાવીને વસતી નિયંત્રણમાં લાવવા પ્રયત્નો થાય છે. આ તરફ કેટલાક અભણ પરિવારો પોતાનું બાળક મોટું થઈને કુટુંબની આર્થિક સ્થિતિ સુધારશે તેમ માનીને વધુ બાળકો પેદા કરે છે.
દેશમાં આજે પણ છોકરી કરતાં છોકરાંને વધુ મહત્ત્વ મળતું હોવાથી ઘણાં કુટુંબોમાં જ્યાં સુધી છોકરો ન જન્મે ત્યાં સુધી બાળકો પેદા થવા દેવાય છે. આપણે ત્યાં છોકરીનાં લગ્નની ઉંમર ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. પણ અનેક છોકરીઓનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં જ થઈ જાય છે. વહેલાં લગ્ન થવાથી ગર્ભધારણનો સમયગાળો પણ લંબાય છે. ભારતમાં મોટાભાગની છોકરીઓનાં લગ્ન કિશોરાવસ્થા વટાવતાની સાથે જ થઈ જાય છે. સ્વાસ્થ્ય સુવિધા વધી હોવાથી બાળ મૃત્યુદર પણ ઘટ્યો છે. સરેરાશ જન્મદર સામે મૃત્યુદર ઓછો હોવાથી પણ વસતી સતત વધતી રહે છે. આ તો થઈ સમસ્યાની વાત.
જેના પ્રત્યે ધ્યાન દોરવું જરૂરી છે. સંતોષ લઈ શકાય તેવી વાત એ છે કે છેલ્લા દોઢ દાયકાથી ભારતની વસતીમાં ધીમી પણ મક્કમ ગતિએ ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૦માં જ્યાં ભારતમાં વસતી વૃદ્ધિનો દર ૧.૮૬ ટકા હતો તે ઘટીને આજે ૧.૨ ટકા થયો છે. એ સમયે વિશ્વની વસતીમાં ભારતનો ફાળો ૧૮.૩૭ ટકા હતો. જે ઘટીને આજે ૧૭.૮૫ ટકા થઈ ગયો છે. આગામી દિવસોમાં હજુ ઘટાડો નોંધાશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. જે આપણા અને દેશ બંને માટે જરૂરી બન્યું છે. અને તેનો એકમાત્ર ઉપાય છે કુટુંબનિયોજન. જેના વિશે હવે જાગૃતિ આવતી જાય છે.
વિશ્વ વસતી દિવસ શા માટે ?
અગાઉ ૧૧ જુલાઈ, ૧૯૮૭ના રોજ વિશ્વનું પાંચ અબજમું બાળક જન્મ્યું ત્યારે વસતીવધારાની સમસ્યાથી ચિંતિત સંયુક્ત રાષ્ટ્રે તે દિવસને વિશ્વ વસતી દિવસ તરીકે ઊજવવાનું જાહેર કર્યું. એ માટે યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડની રચના કરવામાં આવી હતી. જે આ વસતીવૃદ્ધિ મુદ્દે જાગૃતિ માટે વિવિધ આયોજન કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વસતીવધારાને ધ્યાનમાં રાખીને કોઈ ચોક્કસ થીમ નક્કી કરવામાં આવે છે.
૨૦૧૬ના વર્ષની થીમ ‘ઈન્વેસ્ટિંગ ઈન ટીનેજ ગર્લ્સ’ રાખવામાં આવી છે. દુનિયાભરમાં ટીનેજ છોકરીઓ અનેક સમસ્યાઓનો સામનો કરે છે. અનેક સમુદાયોમાં વાલીઓ આજે પણ અઢાર વર્ષ પહેલાં તેમનાં લગ્ન કરાવી નાખે છે. જે આગળ જતા તેમને વહેલા માતા બનવા તરફ ધકેલી દે છે. કિશોરીઓ ભવિષ્યની માતાઓ હોવાથી વસતીવધારાની સમસ્યા મુદ્દે તેમનામાં જાગૃતિ આવે તે જરૂરી છે.
- નરેશ મકવાણા
No comments:
Post a Comment